ek saware (gan) - Geet | RekhtaGujarati

એક સવારે (ગાન)

ek saware (gan)

લાલજી કાનપરિયા લાલજી કાનપરિયા
એક સવારે (ગાન)
લાલજી કાનપરિયા

એક સવારે બારીમાંથી છલાંગ મારી ઘર માલીપા કૂદી આવ્યું ખેતર!

આળસ મરડી નીંદરમાંથી જાગીને જોયું તો રોમેરોમ હતી હરિયાળી ફરફર!

ફળી, ઓસરી ઘર માલીપા સઘળે દૂધમલિયાં ડૂંડાંઓ ડોલે - કેમ લણું?

આલ્લે, ઊમટ્યાં પતંગિયાં ને ઊમટ્યા રંગો કેટકેટલા - કેમ કરીને ગણું?

ચાસચાસમાં અંકુર થઈને આમ અચાનક ઊગી ગયું તે કોણ રે બાલમ!

માલીપાની ભરબજ્જારે સાવ અચાનક લૂંટી ગયું તે કોણ રે બાલમ!

ડગલેપગલે ફાળ ભરંતાં હરણાંઓને ફાળ ભરંતાં શમણાંઓની ભીતર,

એક સવારે બારીમાંથી છલાંગ મારી ઘર માલીપા કૂદી આવ્યું ખેતર!

બગલા સૂંધે માટી ને ચકલી સૂંઘે દાણા : જોવાની કૈં મજા પડે છે!

સીમ પાથરી બેઠી એનાં લીલાં આણાં: જોવાની કૈં મજા પડે છે!

આકાશેથી દડી પડેલાં કુંજડિયુંનાં ગીતો ઝીલી તરણાં ખુશખુશાલ

ઉગમણી શેરીમાં કોઈનાં વધામણાંની કોઈ પૂરે રંગોળી રંગગુલાલ!

હવે ઘેનનાં લીલા દરિયે તરું: ડૂબું કે ઊગરું, કશી નથી ફિકર!

એક સવારે બારીમાંથી છલાંગ મારી ઘર માલીપા કૂદી આવ્યું ખેતર!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતા ચયન 1993 (પૃષ્ઠ ક્રમાંક 53)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય પરિષદ, અમદાવાદ
  • વર્ષ : 1995