નૈં નૈં નૈં
Nai Nai Nai
સુન્દરમ્
Sundaram
સુન્દરમ્
Sundaram
દેખાતું નૈં તેથી નૈં,
એ વાત ના સૈ, ના સૈ, મારા ભૈ!
દેખાતું નૈં તેથી...
દેખી દેખીને તું દેખે શું કેટલું,
દેખ્યું તે સમજે શું કૈં?
મરકટના હાથમાં મોતીડું આલ્ય એને,
કિંમત ના એની જૈં. દેખાતું નૈં તેથી...
રણની રેતીએ નથી દરિયો દીઠેલ, નથી
દીધો સૂરજ કદી ઘૂડ,
દરિયો સૂરજ તેથી ગપ્પાં ગણે તેને
ગણવા તે ઘૂડ ગળાબૂડ. દેખાતું નૈં તેથી...
સૂરજ તપે ત્યારે તારા બુઝાય અને
તારા તગે ત્યાં નહિ સૂર,
સમજું તે સાચું ને બાકી બધું કાચું,
એ તો પીધેલની વાત ચકચૂર. દેખાતું નૈં તેથી...
આંજણ પ્હેલાંની અને આંજણ પછીની આંખ,
દેખ્યા દેખ્યામાં બહુ ફેર,
આંજણ મારું જો તને ખપતું અજાણ્યા જણ,
તારાં ઉતારું સહુ ઝેર. દેખાતું નૈં તેથી...
સ્રોત
- પુસ્તક : સુન્દરમ્-સુધા (પૃષ્ઠ ક્રમાંક 81)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.- અમદાવાદ, મુંબઈ
- વર્ષ : 2004
