na suur vilaapno - Geet | RekhtaGujarati

ન સૂર વિલાપનો

na suur vilaapno

રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શાહ
ન સૂર વિલાપનો
રાજેન્દ્ર શાહ

તરુવર ધરિત્રીને અંકે ઢળે, સહુ પીડ તે

સહી જતી મૂગા હૈયે, કોઈ સૂર વિલાપનો.

વનમહિં વસી જાણ્યો એણેય ધર્મ દધીચિનો;

અરિકર મહીં જેણે અર્પી દીધાં નિજ અસ્થિને.

નિજ વિલય કેરું નેત્રોમાં રમે કંઈ દર્શન :

મખ અનલના પર્જન્યે ત્યાં પ્રજાની પ્રસન્નતા,

જલધિ જલ ઓળંગી જાતી બને તરણી, તથા

નગરમહિં વા ક્ષેત્રે કોઈ રચાય નિકેતન.

યુગ યુગ પછી લાધે જેને વિવર્તનની પળ,

મરણ પણ ત્યાં મોઘું - એની લહે વર ધન્યતા;

સ્થળમહિંય જે સ્થાણુ તેને મળે ગતિ સર્વથા.

હસતી પરવાળાંને રંગે નવોદિત કૂંપળ.

જયહિં ચરણની કેડીયે ના ત્યહીં રથચક્રની

દડ મજલથી વાજી રે'તી હવે શત ઘંટડી.

સ્રોત

  • પુસ્તક : કાવ્ય-કોડિયાં – રાજેન્દ્ર શાહનાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 23)
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ