Lagan Aaya Dhookda - Geet | RekhtaGujarati

લગન આયા ઢૂકડા...

Lagan Aaya Dhookda

બી. બી. ચૌહાણ 'સલિલ' બી. બી. ચૌહાણ 'સલિલ'
લગન આયા ઢૂકડા...
બી. બી. ચૌહાણ 'સલિલ'

લગન આયા ઢૂકડા મૂવાં મોરલા ધગે બઉ

આંખમાં ખટક પૈણનું કુંવળ ઘાંઘી પાંઘી થઉં

પણિયારે હું પગ મૂકુંને હેલને ફૂટે પાંખ

પગનું રૂપું ખરતું એવું દન ને વળે ઝાંખ

વાણ ભરેલા ઢોલિયે ઢળું : કેફમાં ઝૂલે આંખ

ખડકી ઠાલી ખખડે તોયે ભીંતમાં ગરી જઉં

લગન આયા ઢૂકડા મૂવાં મોરલા ધગે બઉ

ઝૂલ કટોરી પોલકાં મેરઈ, વાયદા કરો નૈં

સાથવો ખાધો બઉ દિ’ હવે લાપસી ખાશું ભૈ

પારકુ માણહ કેમ પોતીકું કરશું મારી બૈ

રાંઢવું ખૂણે રડશે, કડબ છાંડશે ગાયું સઉ

આંખમાં ખટક પૈણનું કુંવળ ઘાંઘી પાંઘી થઉં

હાલ્યને ઉજમ, રમીએ કૂકા, રમીએ પીપળપાન

ફેરફુદ’ડી ફરીએ : ડાળે લટકે મારું ભાન

સાત પાંચીકાં રાખશું પાંહે, ફાંટમાં ભરી ગાન

તોરણ આવી ઊભશે કાલે : આજ ગોઠી’બા ખઉં

લગન આયા ઢૂકડાં મૂવાં મોરલા ધગે બઉ

કાલ્ય સવારે વેરશે ઢોલી, બેરશે મીઠા ફૂલ

ફળિયે પછી ઊગશે રાતા ચંદરવાની ઝૂલ

હીબકાં ખાતી વલખી રે’શે બાળપણાની ધૂળ

ઈમના જેવો વાયરો ભાળી ધૂમટો તાણી લઉં

આંખમાં ખટક પૈણનું કુંવળ ઘાંઘી પાંઘી થઉ

સ્રોત

  • પુસ્તક : આઠમા દાયકાની કવિતા (પૃષ્ઠ ક્રમાંક 27)
  • સંપાદક : સુમન શાહ
  • પ્રકાશક : નવોદિત લેખક સહકારી પ્રકાશન
  • વર્ષ : 1982