ghunghatman - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ભીની માટી ને ઊના વીંઝણા મારુજી,

પ્હેલી જોબનિયાની વાટ રે ઘૂંઘટમાં

ઘૂંઘટમાં રઈવર ઓળખ્યા મારુજી!

ઝાકળ સમાણો ઝીણો ઘૂમટો મારુજી,

પેખ્યું પોલાદી એનું પોત રે ઘૂંઘટમાં

ઘૂંઘટમાં.

ઝાઝી ભીંત્યો ને થોડી બારીઓ મારુજી,

કંઠે રૂંધાણાં છે કપોત રે ઘૂંઘટમાં

ઘૂંઘટમાં.

ઘમ્મર ઘેરાયા ટોડર ઘોડલા મારુજી,

આંખ્યો ત્રોફાણી ગઢને ગોખ રે ઘૂંઘટમાં

ઘૂંઘટમાં.

આંબા ઝૂક્યા ને ઝૂકી આંબલી મારુજી,

પાંખો ઝૂરે છે પિંજર કાજ રે! ઘૂંઘટમાં

ઘૂંઘટમાં.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 246)
  • સંપાદક : ચંદ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004