dhowa nakhel jinsanun geet - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ધોવા નાખેલ જીન્સનું ગીત

dhowa nakhel jinsanun geet

ચંદ્રકાન્ત શાહ ચંદ્રકાન્ત શાહ
ધોવા નાખેલ જીન્સનું ગીત
ચંદ્રકાન્ત શાહ

મળે ડાબા ખિસ્સામાં એક ડૂચો વળી ગયેલ મોરલાનો ટહુકો

સાંભળીને તેં મને આપેલ

કે તું જીન્સ મારું પહેરે અને ઓચિંતો સાવ તને જડે

એમ મેં મારા હાથે રાખેલ એવું કંઈક

મળે જમણાં ખિસ્સામાં એક સુક્કો પડેલ બોરચણિયાનો ઠળિયો

ચાખીને તેં મને આપેલ

કે ચગળી શકું જો તને આખ્ખેઆખ્ખી તો કેવું લાગે

બહાને મેં પોતે ચાખેલ એવું કંઈક

રોજ રોજ નવી નવી પાંખોને પહેરવાની ઇચ્છાથી

પંખીનાં ટોળાંનાં ટોળાંએ વરસોથી કાંતેલું

ડેનિમ આકાશ

જરા વેતરીને, માપસર કાતરીને, સ્ટોનવૉશ ધોઈ કરી

લેધરના દોરાથી ડબ્બલ સીવેલ કોઈ જીન્સ જેવો આપણો સંબંધ...

પહેલવહેલી વાર તારો હાથ મારા હાથે પકડેલ

ત્યારે કોઈ નહિ ક્યાંય સુધી કશું બોલેલ

અને દુનિયા આખી એવી નર્વસ થયેલ

પછી હથેળીનો પરસેવો આપણે લૂછેલ

એના ડાઘા દેખાય મારા જીન્સ ઉપર આજે પણ એવા અકબંધ

લેધરના દોરાથી ડબ્બલ સીવેલ કોઈ જીન્સ જેવો આપણો સંબંધ

મળે નીચેની ફોલ્ડ સ્હેજ ખોલતાંક અધધ ધધધ રેતીનો દરિયો

દરિયાને તળિયે કોઈ છીપલાંની વચ્ચેથી હું તને મળીશ

એમ માની તેં દરિયો ઉલેચેલ

કે દરિયાને તારો અવતાર એક ધારી

હું દરિયાના પાણીને ગટગટાટ પી ગયેલ એવું કંઈક

મળે ડાબા ખિસ્સામાં એક ડૂચો વળી ગયેલ મોરલાનો ટહુકો

કે એવું કંઈક

મળે જમણાં ખિસ્સામાં એક સુક્કો પડેલ બોરચણિયાનો ઠળિયો

કે એવું કંઈક

ગોઠણથી સ્હેજ સ્હેજ ફાટેલા જીન્સમાંથી દેખી શકાય

એક દૂર દૂર લંબાતો રસ્તો

ડામરના રસ્તા પર સાંભળી શકાય પછી કાવાસાકીનો કલશોર

અને દેખી શકાય ટાઇટ ક્લોઝ-અપમાં

બાઈક ઉપર સાવ મને ભીંસીને બેઠેલી તું

પછી હંડ્રેડ એન્ડ ટ્વેન્ટીની સ્પીડે તું મારામાં વીંઝાતી, તારામાં વીંઝાતો હું

કાઉબૉયની જેમ મારું તારા વિચારોના ખુલ્લા મેદાનોમાં ફરવું

ઝીણી વ્હિસલ તારા કાનમાં વગાડવી

ને ઢિચકાંવ ઢિચકાંવ તને ચૂમવું

રોજ તને રફટફ ચાહવું

કે મળવાને અશ્ચોની જેમ દોડી આવવું

બધું તો મારે સ્વભાવગત

ઉપરથી તારા ફેંકાયેલા લૅસ્સોમાં હંમેશા વીંટાતો, ખીંટાતો હું

પછી હંડ્રેડ એન્ડ ટ્વેન્ટીની સ્પીડે તું મારામાં વીંઝાતી, તારામાં વીંઝાતો હું

મળે છેલ્લા ખિસ્સામાં એક ઇચ્છા, બે વાતો, ને ત્રણેક પ્રસંગો

ઇચ્છામાં હોય એક આઈ.એસ .આઈ. માર્ક વાળું

કે એગમાર્ક છાપ

મને ફીટોફીટ થાય

તને અપટુડેટ લાગે

બહુ બૅગી હોય, એવું આપણું મળવું

વાતોમાં હું જે બોલ્યો હોઉં

એમાંથી યાદ હોય જેટલું તને

કે તારી આંખોથી જસ્ટ લાઇક ધેટ

મેં જે ચોરી લીધેલ હોય બધું

પ્રસંગોમાં આપણને રસ્તાની વચ્ચોવચ્ચેથી

કોઈ બેલ્ટનું બક્કલ મળે એમ એક અમથું મળેલ

એક ડેનિમ આકાશના ચંદરવા નીચે રચેલ

એક આંખોથી સ્ટેર કરી, હોઠ વડે ઉજવેલ, એવું કંઈક

મળે ડાબા ખિસ્સામાં એક ડૂચો વળી ગયેલ મોરલાનો ટહુકો

કે એવું કંઈક

મળે જમણાં ખિસ્સામાં એક સુક્કો પડેલ બોરચણિયાનો ઠળિયો

કે એવું કંઈક

મળે નીચેની ફોલ્ડ સ્હેજ ખોલતાંક અઘઘ-ઘઘઘ રેતીનો દરિયો

કે એવું કંઈક

મળે છેલ્લા ખિસ્સામાં એક ઇચ્છા, બે વાતો, ને ત્રણેક પ્રસંગો

કે એવું કંઈક

મળે ધોવા નાખેલ કોઈ લીવાઇઝના જીન્સમાંથી

વાંકીચૂકી વળેલ ચિઠ્ઠીઓ

ડિઝાઇનર લેબલનાં બિલ્સ

થોડા બ્લૅક એન્ડ વ્હાઇટ ફોટા

ફિલ્લમની અડધી ટિકિટ

ને-ગીત એક સિગારેટના ખાલી ખોખા પર લખેલ

આવું કંઈક

સ્રોત

  • પુસ્તક : બ્લુ જીન્સ – બ્લૅક એન્ડ વ્હાઇટ પોએમ્સ (પૃષ્ઠ ક્રમાંક 14)
  • સર્જક : ચંદ્રકાન્ત શાહ
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન
  • વર્ષ : 2000