tame amaran guru - Geet | RekhtaGujarati

તમે અમારાં ગુરુ

tame amaran guru

નટરાજ બ્રહ્મભટ્ટ નટરાજ બ્રહ્મભટ્ટ
તમે અમારાં ગુરુ
નટરાજ બ્રહ્મભટ્ટ

(ગાન)

તમે અમારાં ગુરુ મીરાં!

તમે અમારાં ગુરુ

રોજ હવે તો હરિરસ ભાવે, ઘર લાગે છે તૂરું

મીરાં! તમે અમારાં ગુરુ.

અમે તમારા શબ્દોની આંગળિયું પકડી ચાલ્યા,

અમે તમારા ભાવભુવનમાં ગગન ભરીને મ્હાલ્યા

તમે બતાવ્યું નામ, ઠામ ઠેકાણું પૂરેપૂરું.

મીરાં! તમે અમારાં ગુરુ.

તમે કંઠમાં કેદ કર્યાં'તાં મોરપિચ્છ ને વેણુ

અમે તમારી કંઠી બાંધી, ઘટનું ઘરેણું

શ્વાસ હવે તો શામળિયો ત્યાં કોણ કરે કંઈ બૂરું!

મીરાં! તમે અમારાં ગુરુ.

ગુરુ અમોને માંડ મળ્યાં છે ઘટમાં ઘાયલ ઘેલાં

રાત દિવસ બસ રાતામાતા ચીલામાં ચેલા

બાઈ મીરાંને લખવાનું કે તમે ઝૂર્યાં એમ ઝૂરું.

મીરાં! તમે અમારા ગુરુ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતા ચયન 1993 (પૃષ્ઠ ક્રમાંક 25)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1995