મેર, મુવા, પાણો થઈ ભટકાણો તું
mer, muvaa, paaNo thai bhatkaaNo tun
દેવાંગી ભટ્ટ
Devangi Bhatt
મેર, મુવા, પાણો થઈ ભટકાણો તું, ને મોટું ઢીમણું થયું સે મારા માથે
કોને દઉ ગાળ્યું ને કોને ઘચકાવું? મે તો વાળ્યું નખ્ખોદ મારા હાથે
ન ડાચાના ઠેકાણા, અક્કલનો ઓથમીર, ગામનો ઉતાર હાળો પૂરો.
મોગરા ચમેલીના છોડવા મૂકીને, મેં હૈયામાં હંઘર્યો ધતુરો.
મારી આ વાલામુઈ આંખ્યું ફૂટી’તી, તે વાળ્યો મેં દાટ મારી જાતે,
મેં તો વાળ્યું નખ્ખોદ મારા હાથે...
હું ગુણિયલ છોડી ને પાસી નીતરતે વાન, મારા ક્યાં ક્યાંથી આવે સે માગા.
તારે આગળ ઉલાળ નહીં પાછળ ધરાળ નહિ, કોણ તને પૂછે લ્યા બાધા?
ને તોય હારું કૌતુક કે નમણી હું વેલ, જઈ મોહી આ થોરીયાની માથે
મેં તો વાળ્યું નખ્ખોદ મારા હાથે...
સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ