walamji varso to.... - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વાલમજી વરસો તો...

walamji varso to....

ભાસ્કર વોરા ભાસ્કર વોરા
વાલમજી વરસો તો...
ભાસ્કર વોરા

વાલમજી હું તો થોડી ભીની ને ઝાઝી કોરી!

હવે વરસો તો મેઘ થઈ એવું વરસો

કે જાણે ધરતીની જેમ રહું મ્હોરી.

આશાનું આભ મારું ગોરંભી લીધું

ને રોકી લીધી મુંને વાટમાં,

ઝીણી ઝીણેરી તમે ઝરમર થૈ આવ્યા

ને રીઝવી દીધી મુંને છાંટમાં,

હવે વરસો તો વ્હાલમજી એવું વરસો

કે રહું થોડી આઘી ને ઝાઝી ઓરી.

દિલનાં તે દીપકથી દાઝ્યાં કરું

એને મલ્હારી સૂર થઈ ઠારો,

વ્હાલપની વાછંટો એવી મારો

કે કરું ઓળઘોળ ઉરનો ઓવારો,

હવે વરસો તો વ્હાલમજી એવું વરસો

કે રહું ઝાઝી ભીની ને થોડી કોરી.

સ્રોત

  • પુસ્તક : હૈયાને દરબારે (પૃષ્ઠ ક્રમાંક 6)
  • સર્જક : ભાસ્કર વ્હોરા
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1994