meDi - Geet | RekhtaGujarati

ટોડલે ટહુક્યા ઝીણા મોર

ભરચક ભાત્યોભીની કોર

અમે ફૂલદોર ગૂંથ્યાં હારોહાર...

અદ્દલ મેડી ઉગમણી!

ઓરડા લીંપ્યા ને અમે હથેળીમાં ખૂટ્યાં,

ઝરમર ઝીલ્યા મેઘ માટી મેંદી જેવું ફૂટ્યાં,

અમે છાનું છાનું છૂટ્યાં બારોબાર...

અદ્દલ મેડી ઉગમણી!

કાગ બોલ્યા ડાળે, અધવચ કાયા વિસારી,

કોરી ભૂમિ પાળે, અઢળક નજરું ઉતારી;

અમે ટોળેટોળાં તલસ્યાં અપાર...

અદ્દલ મેડી ઉગમણી!

બારીએ બેઠાં કે ગગન આઘેઆઘે તેડે,

ઉંબરે આવ્યાં કે અંગત બાંધી લીધાં છેડે;

અમે અડધાં અંદર અડધાં બહાર...

અદ્દલ મેડી ઉગમણી!

સ્રોત

  • પુસ્તક : ભોંયબદલો (પૃષ્ઠ ક્રમાંક 89)
  • સર્જક : દલપત પઢિયાર
  • પ્રકાશક : નક્ષત્ર ટ્રસ્ટ
  • વર્ષ : 1982