mayapash - Geet | RekhtaGujarati

ભીંત કાઢીને પીપળો રે ઊગ્યો,

જીરણ એની કાયા.

રે હો જીરણ એની કાયાઃ

કાંકરી-ચૂનો રોજ ખરે ને

ધ્રૂજે વજ્જર-પાયા,

રે હો ધ્રૂજે વજ્જર-પાયા! —ભીંતo

પાંદડે પાંદડે તેજ ફરકે,

મૂળ ઊંડેરાં ઘાલે,

રે હો મૂળ ઊંડેરાં ઘાલેઃ

ચોગમ આડા હાથ પસારી

ગઢની રાંગે ફાલે,

રે હો ગઢની રાંગે ફાલે. —ભીંતo

કોક કોડીલી પૂજવા આવે,

છાંટે કંકુ-છાંટા,

રે હો છાંટે કંકુ-છાંટાઃ

સૂતરનો એક વીંટલો છોડી

ફરતી એકલ આંટા,

રે હો ફરતી એકલ આંટા. —ભીંતo

ભીંત પડી, પડ્યો પીપળો એક દી

ડાળિયું સાવ સુકાણી,

રે હો ડળિયું સાવ સુકાણી:

ચીરતો એનું થડ કુહાડો,

લાકડે આગ મુકાણી,

રે હો લાકડે આગ મુકાણી. —ભીંતo

જડને ટોડલે ચેતન મ્હોરે,

પૂજવા આવે માયા,

રે હો પૂજવા આવે માયા:

લાખ કાચા લોભ-તાંતણે બાંધે,

મનવા! કેમ બંધાયા?

મારા મનવા! કેમ બંધાયા? —ભીંતo

સ્રોત

  • પુસ્તક : બૃહદ ગુજરાતી કાવ્યપરિચય - 2 (પૃષ્ઠ ક્રમાંક 153)
  • સંપાદક : મોહનભાઈ પટેલ, ચન્દ્રકાન્ત શેઠ
  • પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ
  • વર્ષ : 1973