સાવ થઈને હળવા
saav thaine haLvaa
જિત ચુડાસમા
Jit Chudasama
સાવ થઈને હળવા,
પવનપાવડી પહેરી તમને આવ્યા છઈએ મળવા.
પરપોટાની ભરી ગાંસડી લાવ્યા છીએ સાથે;
હં...હં... જોજો, બે-ત્રણ જૂના સ્પર્શો છે સંગાથે;
ગાંઠ અમે મારી છે ઢીલી, ખોલો હળવા હાથે;
છાનાં પગલે આવી પહોંચ્યાં સ્મરણો પણ ઝળહળવા.
સાવ થઈને હળવા.
તમે કહો તો કાજળઘેરી રાત લઈને જાશું;
અંધારાની એક નહીં, સો વાત લઈને જાશું;
પડછાયા હડસેલી, કેવળ જાત લઈને જાશું;
મૌન મઢેલી મરજાદા પણ માંડી છે ઓગળવા.
સાવ થઈને હળવા
પવનપાવડી પહેરી તમને આવ્યા છઈએ મળવા.
સ્રોત
- પુસ્તક : કવિલોક : સપ્ટેમ્બર-ઑક્ટોબર : ૨૦૧૭ (પૃષ્ઠ ક્રમાંક 30)
- સંપાદક : ધીરુ પરીખ
- પ્રકાશક : કવિલોક ટ્રસ્ટ