hindmatane sambodhan - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હિંદમાતાને સંબોધન

hindmatane sambodhan

કાન્ત કાન્ત
હિંદમાતાને સંબોધન
કાન્ત

હિંદ! દેવભૂમિ! સંતાન સૌ તમારાં!

કરીએ મળીને વંદન! સ્વીકારજો અમારાં!

હિંદુ અને મુસલમિનઃ વિશ્વાસી પારસી, જિનઃ

દેવી! સમાન રીતે સંતાન સૌ તમારાં!

પોષો તમે સહુને, શુભ ખાનપાન બક્ષીઃ

સેવા કરે બને તે સંતાન સૌ તમારાં!

રોગી અને નિરોગી, નિર્ધન અને તવંગર,

જ્ઞાની અને નિરક્ષરઃ સંતાન સૌ તમારાં!

વાલ્મીકિ, વ્યાસ, નાનક, મીરાં, કબીર, તુલસી!

અકબર, શિવાજી, માતા! સંતાન સૌ તમારાં!

સૌની સમાન માતા, સૌએ સમાન તેથીઃ

ના ઉચ્ચ નીચ કોઈ, સંતાન સૌ તમારાં!

ચાહો બધાં પરસ્પર, સાહો બધાં પરસ્પરઃ

પ્રાર્થના કરે સંતાન સૌ તમારાં!

(૧૯રર)

સ્રોત

  • પુસ્તક : પૂર્વાલાપ (પૃષ્ઠ ક્રમાંક 96)
  • સંપાદક : વિનોદ અધ્વર્યુ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2000