chakshushravaa man - Geet | RekhtaGujarati

ચક્ષુશ્રવા મન

chakshushravaa man

દુર્ગેશ શુક્લ દુર્ગેશ શુક્લ
ચક્ષુશ્રવા મન
દુર્ગેશ શુક્લ

ચક્ષુશ્રવા મન!

વિશ્વ ઉપવન

તૃણ-છોડ-વેલ-વાદ્યનાં

સુણો મધુર ગુંજન

ચક્ષુશ્રવા મન.

રંગબેરંગી ફૂલો

રાગિણી વિધવિધ ઝીલો,

પરિમલ વારુણી છબી

મંજુલ રાગની હેલી.

ઋતુસમયોચિત કલિરાગિણી

ખીલી ખીલી રંગવાણી.

રંગ ને રાગની અભિનવ કેલી.

ચક્ષુશ્રવા મન,

માણો મધુર ગુંજન.

પર્ણખૂંટી શી ખેંચાઈ

તાર ડાળી ધ્રૂજે કાંઈ!

દિનકર ગાયક કેરી

કિરણાંગુલી રહી ફરી.

વાહ ફૂલરાગિણી,

શી રવમંજુલ ઝરી,

દશે દિશા ભરી!

શ્રવણે ઝૂલંત સૂરનાં ફૂલ રંગીન,

દૃષ્ટિપથે ફૂલ સૂરની બાજત બીન.

રહો લયલીન, ચક્ષુશ્રવા મન.

સ્રોત

  • પુસ્તક : પર્ણમર્મર (પૃષ્ઠ ક્રમાંક 122)
  • સર્જક : દુર્ગેશ શુક્લ
  • પ્રકાશક : નવભરત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2011