ranano rang - Geet | RekhtaGujarati

રાણાનો રંગ

ranano rang

દેવજી રા. મોઢા દેવજી રા. મોઢા
રાણાનો રંગ
દેવજી રા. મોઢા

રાણાનો રંગ મને લાગ્યો લાગ્યો

ત્યાં કા’નાનો રંગ ગિયો લાગી!

ને કાયામાં કામ હજી જાગ્યો જાગ્યો

ત્યાં રુદિયામાં રામ ગિયો જાગી!

માડીની સાથ હું તો માજોલીમાં બેસીને

મંદિરિયે રોજરોજ જાતી,

ને નેણની કટોરી ભરી સાંવરિયો પીઉઃ

એની મસ્તીમાં થાઉં મદમાતી;

પીતાં ધરાઉં નહિ પાણીથી પાતળિયો

બાંકે બિહારી વરણાગી!

રાણાને હાથ મારો સોંપ્યો પ્હેલાં

મેં કાનાને હૈયું દીધ સોંપી;

ને પ્રીત્યુંની વેલની ના ધરતી બદલાય,

તો એક થળે રોપી રોપી!

કા'ન જેવા કંથડનાં કંકણ પ્હેરીને

હું તો થૈ ગૈ છું અમ્મર સોહાગી!

સ્રોત

  • પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 29)
  • સંપાદક : દીપક મહેતા
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
  • વર્ષ : 2008