mangal mandir kholo - Geet | RekhtaGujarati

મંગલ મંદિર ખોલો,

દયામય!

મંગલ મંદિર ખોલો!

જીવનવન અતિ વેગે વટાવ્યું,

દ્વાર ઊભો શિશુ ભોળો;

તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,

શિશુને ઉરમાં લ્યો, લ્યો

દયામય!

મંગલ મદિર ખોલો!

નામ મધુર તમ રચ્ચો નિરન્તર,

શિશુ સહ પ્રેમે બોલો;

દિવ્યતૃષાભર આવ્યો બાલક,

પ્રેમે અમીરસ ઢોળો,

દયામય!

મંગલ મંદિર ખોલો!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 48)
  • સંપાદક : જયન્ત પાઠક, રમણલાલ પાઠક
  • પ્રકાશક : આદર્શ પ્રકાશન
  • વર્ષ : 1983