la parwa - Geet | RekhtaGujarati

લા-પરવા

la parwa

મકરંદ દવે મકરંદ દવે

કોક દિન ઈદ અને કોક દિન રોજા

ઊછળે ને પડે નીચે જિંદગીનાં મોજાં.

કાંઈ અફસોસ નહીં કાંઈ નહીં ફિકર,

કોઈ ચીજ તણી નહીં… જિંદગીમાં જિકર,

આવે ને જાય એના વેઠવા શા બોજા!

કોક દિન ઈદ અને કોક દિન રોજા.

માન મળે, મળે ધનધાન, મળે સત્તા,

પાન ચાવી બીજી પળે ખાવા પડે ખત્તા.

વાહ ભાખે કોઇ રૂડી આંખે વેષ ભાળી,

આહ નાખે કોઈ ભૂંડી મોઢે મેશ ઢાળી.

રામ મારો રૂદે હસે રંગ નહીં દૂજા,

કોક દિન ઈદ અને કોક દિન રોજા.

હાલ્યા કરે દુનિયાની વણજાર ગાંડી

કોણ બેઠું રહે એની સામે મીટ માંડી?

દૂધ મળે વાટમાં કે મળે ઝેર પીવા,

આપણા તો થિર બળે આતમાના દીવા.

લાંબી લાંબી લેખણે ત્યાં નોંધાવી શી યાદી,

બેય કોરે આપી જવી મુબારકબાદી.

ઘેલાં ભલે ઘૂઘવે જિંદગીનાં મોજાં,

આવો તમે ઈદ અને આવો તમે રોજા.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 77)
  • સંપાદક : જયન્ત પાઠક, રમણલાલ પાઠક
  • પ્રકાશક : આદર્શ પ્રકાશન
  • વર્ષ : 1983