Deliyethi pachha— - Geet | RekhtaGujarati

ડેલીએથી પાછા—

Deliyethi pachha—

અનિલ જોશી અનિલ જોશી
ડેલીએથી પાછા—
અનિલ જોશી

ડેલીએથી પાછા વળજો હો શ્યામ!

મેં તો ઠાલાં દીધાં છે મારાં બારણાં

પાછલી તે રાતની નિંદરની કામળી

આઘી હડસેલતીક જાગું,

દયણે બેસું ને ઓલી જમનાનાં વ્હેણની

ઘૂમ્મરીમાં બૂડતી લાગું

બારણાની તૈડમાંથી પડતા અજવાસને—

ટેકે ઊભી રે મારી ધારણાં!

ડેલીએથી પાછા વળજો હો શ્યામ

મેં તો ઠાલાં દીધાં છે મારાં બારણાં.

કૂકડાની બાંગ મોંસૂઝણાની કેડીએ

સૂરજની હેલભરી આવે,

કોડના તે કોડિયે ઠરતા દીવાને ફરી

કાગડાના બોલ બે જગાવે

ખીલેથી છૂટતી ગાયુંની વાંભ મુને બાંધી લ્યે થૈ ને સંભારણાં.

ડેલીએથી...

સ્રોત

  • પુસ્તક : કદાચ (પૃષ્ઠ ક્રમાંક 20)
  • સર્જક : અનિલ જોશી
  • પ્રકાશક : રૂપાલી પબ્લિકેશન
  • વર્ષ : 1987