nath re duwarkano - Geet | RekhtaGujarati

નાથ રે દુવારકાનો

nath re duwarkano

ભૂપેશ અધ્વર્યુ ભૂપેશ અધ્વર્યુ
નાથ રે દુવારકાનો
ભૂપેશ અધ્વર્યુ

દ્વારકાના મ્હેલ મહીં જાદવરાય,

દર્પણમાં દેખતાં કાનજી થાય.

રંગમ્હેલટોચપે બેસીને મોરલો,

નાનું શું મોરપિચ્છ ખેરવી જાય.

હૈયામાં સરવાણી ફૂટી,

ને ઉમટ્યાં જમનાનાં ખળભળતાં પૂર;

કાંઠે કદંબડાળ ઊગી,

ને ગાયોએ ઘેર્યો હાં, બંસીનો સૂર.

ઝરુખે ઝૂકીને જુએ આભલાંની કોર ભણી,

ક્યાંક, અરે, ક્યાંક પેલું ગોકુળ દેખાય?

મટુકી ફૂટીને બધે માખણ વેરાય.

દર્પણ બહાર જદુરાય,

ને દપર્ણમાં, છેલ ને છકેલ પેલો કાનજી.

બ્હારની રુકીમણી મોહે

ને દર્પણની, અચકાતી દેખી ગોવાળજી.

હોઠની વચાળે હાં, બંસીનું મુખ મૂકી,

રોતી રાધિકાનું મુખડું દેખાય.

રાસ રમે વનરાની કુંજ, ને વચાળે હા

નાથ રે દુવારકાનો એવો ઘેરાય.

સ્રોત

  • પુસ્તક : પ્રથમ સ્નાન (પૃષ્ઠ ક્રમાંક 52)
  • સર્જક : ભૂપેશ અધ્વર્યુ
  • સંપાદક : મૂકેશ વૈદ્ય, જયદેવ શુક્લ, રમણ સોની
  • પ્રકાશક : ધીરેશ અધ્વર્યુ
  • વર્ષ : 1986