lherkhi - Geet | RekhtaGujarati

આવી પવનની લ્હેરખી ને

કાંઈ વનનાં જાગ્યાં પાન!

પંખી તણી કિલકારીએ ભરી દીધ છલોછલ રાન! –આવીo

વચમાં હુ, ને ઘેરી વળે મને

ચોગમથી સૂનકાર;

ઊઠે નહીં મારાં પગલાંનો યે

ધરતીથી ધબકાર

તહીં સુણું હું આઘેરી સીમે કોસનું મંજુલ ગાન! –આવીo

ડુંગર-ધારે ધણ નિહાળ્યું,

ને સાંભળી ઘૂઘરમાળ!

કાંધ પરે કડિયાળી મૂકી

ઘૂમતો દીઠ ગોવાળ;

કોઈને ઉર વસી હશે એના પાવાની મીઠી તાન! –આવીo

વનથી વનરાવન તે, પછી

જરી રહ્યું નવ દૂર!

અંતર ભરતી એકલતાનું

ઓસરી ચાલ્યું પૂર!

પાર વિનાની ગોપીઉં ને કાંઈ પાર વિનાના કા’ન! –આવીo

સ્રોત

  • પુસ્તક : વનશ્રી (પૃષ્ઠ ક્રમાંક 48)
  • સર્જક : દેવજી રા. મોઢા
  • પ્રકાશક : એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ.
  • વર્ષ : 1963