કોણ?
kon?
સુન્દરમ્
Sundaram
સુન્દરમ્
Sundaram
પુષ્પતણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ?
પૃથ્વી ઉરથી ઊઠે કોનો સુરભિત, પુલકિત, મુખરિત શ્વાસ?
કોણ બદલતું સન્ધ્યાકાશે ૫લ પલ નવલાં પ્રેમલ ચીર?
કોણ ઊછળતી મોકલતું નિજ કુમળી ઊર્મિ સરવરતીર?
અહો, ગૂંથતું કોણ પૃથ્વીને સેંથે ઝાકળ-મોતી-માળ?
તરુએ તરુએ ફળતી કોની આશા કેરી શાખ રસાળ?
કોનાં કંકણ બાજે એકલ સરિતા કેરે સૂને ઘાટ?
પર્વતને શિખરે સ્થિર બેસી કોણ સનાતન જોતું વાટ?
ઓ સારસની જોડ વિષે ઊડે છે કોની ઝંખનઝાળ?
અહો, ફલંગે કોણ અધીરું વાદળ વાદળ માંડી ફાળ?
અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતન-રૂપ?
કાળતણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કૂપ?
સ્રોત
- પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 99)
- સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
- પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
- વર્ષ : 1941
