koino laDakwayo - Geet | RekhtaGujarati

કોઈનો લાડકવાયો

koino laDakwayo

ઝવેરચંદ મેઘાણી ઝવેરચંદ મેઘાણી
કોઈનો લાડકવાયો
ઝવેરચંદ મેઘાણી

[ઢાળ: મરાઠી સાખીનો]

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,

કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે:

ઘાયલ મરતાં મરતાં રે

માતની આઝાદી ગાવે.

કો’ની વનિતા, કો’ની માતા, ભગિની ટોળે વળતી,

શોણિતભીના પતિ-સુત-વીરની રણશય્યા પર લળતી,

મુખથી ખમા ખમા કરતી

માથે કર મીઠો ધરતી.

થોકે થોકે લોક ઊમટતા રણજોદ્ધા જોવાને,

શાહબાશીના શબદ બોલતા પ્રત્યેકની પિછાનેઃ

નિજ ગૌરવ કેરે ગાને

જખ્મી જન જાગે અભિમાને.

સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો,

છેવાડો ને એક્લવાયો અબોલ એક સૂતેલો:

અણપૂછ્યો અણપ્રીછેલો

કોઈનો અજાણ લાડીલો.

એનું શિર ખોળામાં લેવા કોઈ જનેતા ના’વી,

એને સીંચણ તેલ-કચોળાં નવ કોઈ બહેની લાવીઃ

કોઈના લાડકવાયાની

કોઈએ ખબરે પુછાવી.

ભાલે એને બચીઓ ભરતી લટો સુંવાળી સૂતી,

સનમુખ ઝીલ્યા ઘાવો મહીંથી ટપટપ છાતી ચૂતીઃ

કોઈના લાડકવાયાની

આંખડી અમૃત નીતરતી.

કોઈના લાડકવાયાનાં લોચન લોલ બિડાયાં,

આખરની સ્મૃતિનાં બે આંસુ કપોલ પર ઠેરાયાં:

આતમ-દીપક ઓલાયા.

ઓષ્ટનાં ગુલાબ કરમાયાં.

કોઇના લાડકડા પાસે હળવે પગ સંચરજો,

હળવે એના હૈયા ઉપર કર-જોડામણ કરજોઃ

પાસે ધૂપસળી ધરજો,

કાનમાં પ્રભુપદ ઉચ્ચરજો!

વીખરેલી લાડકડાની સમારજો લટ ધીરે,

એને ઓષ્ઠ-કપોલે-ભાલે ધરજો ચુંબન ધીરેઃ

સહુ માતા ને ભગિની રે!

ગોદ લેજો ધીરે ધીરે!

વાંકડિયાં જુલ્ફાની મગરૂબ હશે કો માતા,

ગાલોની સુધા પીનારા હોઠ હશે બે રાતાઃ

રે! તમ ચુંબન ચોડાતાં

પામશે લાડકડો શાતા.

લાડકડાની પ્રતિમાનાં છાનાં પૂજન કરતી,

એની રક્ષા કાજ અહર્નિશ પ્રભુને પાયે પડતી,

ઉરની એકાન્તે રડતી

વિજોગણ હશે દિનો ગણતી.

કંકાવટીએ આંસુ ઘોળી છેલ્લું તિલક કરંતા,

એને કંઠ વીંટાયા હોશે કર બે કંકણવંતાઃ

વસમાં વળામણાં દેતા,

બાથ ભીડી બે પળ લેતા.

એની કૂચકદમ જોતી અભિમાનભરી મલકાતી,

જોતી એની રુધિર-છલકતી ગજ ગજ પહોળી છાતી,

અધબીડ્યાં બારણિયાંથી

રડી કો હશે આંખ રાતી.

એવી કોઈ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે,

એકલડો ને અણબૂઝેલો અગન-પિછોડી ઓઢેઃ

કોઈના લાડકવાયાને

ચૂમે પાવકજ્વાલા મોઢે.

એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી,

પથ્થર પર કોતરશો નવ કોઈ કવિતા લાંબી;

લખજો: 'ખાક પડી આંહીં

કોઈના લાડકવાયાની.’

(1930)

રસપ્રદ તથ્યો

કારાવાસમાં. સાબરમતી જેલમાં અબ્બાસ સાહેબની વિદાયની સાંજરે સ્નેહ-સંમેલનમાં. શ્રી દેવદાસ ગાંધીએ જૂની રૉયલ રીડરમાંથી મરી દ લા કોસ્ટે નામનાં કોઈ અજાણ બાઈનું રચેલું કાવ્ય ‘સમબડીઝ ડાર્લિંગ’ વાંચી સંભળાવેલું. તેણે પેદા કરેલા મંથનનું પરિણામ. અત્યારના આપણા સમયને અનુરૂપ ભાવ આપેલો છે. મારી આંખોનાં ખીલ ઠોકાવેલાં તે દિવસે જ લગભગ આંધળા આંધળા લખેલું હતું. મારું ઘણું જ લાડકવાયું ગીત, મારા કંઠના મુકરર સૂરોમાંથી જ ઉદ્ભવેલું અને એ જ સૂરો વડે સતત સીંચાયેલું, તેને જ્યારે હું કાલીંગડા અને મરાઠી સાખીના મૂળ સુરને બદલે ભૈરવીમાં ગવાયેલું સાંભળુ છું, ત્યારે મારું પ્રિય સંતાન રિબાતું હોવાની વેદના મને થાય છે. ગુજરાતી રુપાન્તરના યોગ્ય મૂલ્યાંકનને માટે અસલ કાવ્ય નીચે શામિલ છેઃ Into a ward of the white-washed halls, Where the dead and dying lay, Wounded by bayonets, shellsand balls, Somebody’s Darling was borne one day- Somebody’s Darling, so young and so brave Wearing yet on his pale sweet face, Soon to be hid by the dust of grave, The lingering light of his boyhood’s grace. Matted and damp are the curls of gold, Kissing the snow of that fair young brow, Pale are the lips of delicate mould- Somebody’s darling is dying now. Back from his beautiful blue-veined brow Brush all the wandering waves of gold: Cross his hands on his bosom now- Somebody’s Darling is still and cold. Kiss him once for Somebody’s sake Murmur a prayer soft and low, One bright curl from its fair mates take,- They were Somebody’s pride, you know; Somebody’s hand had rested there; -Was it a mother’s soft and white? And have the lips of a sister fair Been baptized in the waves of light? God knows best-He had Somebody’s love; Somebody’s heart enshrined him there; Somebody’s wafted his name above Night and morn on the wings of prayer, Somebody’s kiss on his forehead lay, Somebody clung to his parting hand. Somebody’s waiting and watching for him- Yearning to hold him again to her heart. And there he lies, with his blue eyes dim, And the smiling, child-like lips apart, Tenderly bury the fair young dead. Pausing to drop in his grave a tear; Carve on the wooden slate at his head,- ‘Somebody’s Darling slumbers here.’

સ્રોત

  • પુસ્તક : સોના નાવડી (પૃષ્ઠ ક્રમાંક 145)
  • સંપાદક : જયંત મેઘાણી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1997