kiDiye khonkharo khadho - Geet | RekhtaGujarati

કીડીએ ખોંખારો ખાધો

kiDiye khonkharo khadho

અનિલ જોશી અનિલ જોશી
કીડીએ ખોંખારો ખાધો
અનિલ જોશી

ક્રાઉં ક્રાઉં કાગડાથી ખીચોખીચ લીમડામાં કીડીએ ખોંખારો ખાધો

તમને નથી ને કાંઈ વાંધો?

માખીએ મધપૂડા છોડી દીધા ને હજી આંખ આડા કાન કરે સંત?

લીમડા ઉપરથી ઊતરતી કીડીનો ગુંદરના ટીપાંમાં અંત?

ખરી જતાં પાંદડાંને ફરી પાછા ડાળીએ ગુંદરથી જાવ હવે સાંધો

ક્રાઉં ક્રાઉ....

આંબાની ડાળીએ લીંબોળી ઝૂલતી ને લીમડાની ડાળીએ કેરી?

તરસી કીડીને માથે ગાગર ઢોળાય છતાં પંડિતની આંખ હજી બ્હેરી?

કીડીના પડછાયે જંગલ ઢંકાઈ ગયું જાવ હવે તડકાને બાંધો!

ક્રાઉં ક્રાઉં કાગડાથી ખીચોખીચ લીમડામાં કીડીએ ખોંખારો ખાધો

તમને નથી ને કાંઈ વાંધો?

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 188)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004