એક ખિસકોલી
ek khiskoli
હરીશ મીનાશ્રુ
Harish Minashru

એક ખિસકોલી
કાચી મફળીનું એક ફોફું ફોલે છે જાણે
મોતીની હોય ના છિપોલી
અમરુદની જેમ ગોળ અજવાળું ઝાલીને ઝીણા ઝીણા બેસાડે દાંત
થડિયામાં ખરખચડો રેલો થઈ જાય, એની પૂછિયે કદી ન જાતપાંત
ડાહ્યાડમરાજી કહી ડમરાની ડાંખળીની
કરતી એ કેવો ઠિઠોલી
એક ખિસકોલી
આગલા બે પંજાની પોચાશે ઠોલે એ અધકચરી ઇચ્છાનો ઠળિયો
કેમ કરી ખંખેરે પીઠે ચોંટેલી ચાર દંતકથા જેવી આંગળિયો
રંગરેજ કાચિંડે ખીજ એની પાડી છે
ખાખરાની ઊડણખટોલી
એક ખિસકોલી
રાખોડી ભાષા ને ધૂળિયો અવાજ : એનું બડબડવું બાવનની બ્હાર
એનું કહ્યું જ બધાં માને છે : પોપચાં એ ખોલે તો પડતી સવાર
આપણી જ જાણબ્હાર આપણાં જ ગીત મહીં
આપણને લેતી કરકોલી
એક ખિસકોલી



સ્રોત
- પુસ્તક : એતદ્ - એપ્રિલ-જૂન, 2013 (અંક : 198) (પૃષ્ઠ ક્રમાંક 11)
- સંપાદક : કમલ વોરા-નૌશિલ મહેતા
- પ્રકાશક : ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર