દરિયાને પહેલીવાર જોતા ખેડૂતનું ગીત
dariyane paheli var jota khedutnu geet

દરિયાને પહેલીવાર જોતા ખેડૂતનું ગીત
dariyane paheli var jota khedutnu geet
દર્શન જરીવાલા
Darshan Jariwala

દરિયાના લસલસતા થોકબંધ મોલની પછીતેથી
કોઈ મને લીલુંછમ બોલાવે ક્યારનું
ગોફણથી આંખ હું તો વીંઝું
ને વોંકળાતું આખ્ખુંય આભ વાડ ઠેકે
હું જ વહ્યો જાઉં ત્યારે ટેરવાં બચ્ચાડાંને
ડૂબતાં તણાતાં કોણ રોકે
ચામડીની સુક્કીભઠ્ઠ ભીંત્યુંમાં ખાતરિયું પાડી
વાવી ગયું છે કોણ ફૂલ ઝાંખા અણસારનું?
ઝીણાળાં દાતરડાં પગને નીંદે છે,
મારા નામ લગણ ક્યારે ઈ પૂગશે?
પડતર દરિયે જો જાઉં વેરાઈ હું,
તો એને વાયકાનાં ડૂંડાઓ ઊગશે?
હું ને આ આભવ્હાણરેતખડકકાંઠો
બધાં ટાંપી ઊભાં ને તોય
સાંજને નૈ અચરજ એ વાતનું
ફાળિયું ઉખેડી પડું આડો
ને આંખ મારી ઊંઘરેટી ઘસ્યા કરે પડખું
છાતી પર ફરતા આ ઈચ્છાઓ જોતરેલા
હળને કૈં કઉં કે તને બરકું
રહ્યાસહ્યા સૂરજના ભાથાનું બાચકું હું ખોલું
કે ભૂખ જેમ ઊઘડતું પોપચું સવારનું



સ્રોત
- પુસ્તક : બૃહત્ ગુજરાતી કાવ્યસમૃદ્ધિ (પૃષ્ઠ ક્રમાંક 554)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
- વર્ષ : 2004