kharawananun gitah 1 - Geet | RekhtaGujarati

ખારવણનું ગીત: ૧

kharawananun gitah 1

ધીરેન્દ્ર મહેતા ધીરેન્દ્ર મહેતા
ખારવણનું ગીત: ૧
ધીરેન્દ્ર મહેતા

          દરિયેબરિયે જઈશું માલમ,
          કોડિયેબોડિયે રમશું;
          શંખલાંછીપલાં વીણશું માલમ,
          રેતીમાં બે મોર ચીતરશું;
નાવિક કેરા ગીતતરાપે લય બનીને તરશું!
         આંખમાં આંજી ફીણ માલમ,
         ટગરટગર ટમટમશું;
         ઓટ હો કે વીળ માલમ, 
         અમને એમાં ફરક શું?
દરિયા કેરી છાતી ઉપર લહર થઈ થડકશું!
         દરિયો કૂવાથંભ માલમ,
         દરિયો અમારા લંગર;
         દરિયો રૂડા સઢ્ઢ માલમ,
         દરિયો અમારાં બંદર;
વાંઈયાં પૂસાં વાંઈયાં પૂસાં અલ્લાબેલી કરશું!
          દરિયો અમારો લાલ માલમ,
          દરિયો અમારો પીર;
          એનાં મોંઘા વ્હાલ માલમ, 
          એની મોટી મ્હેર;
દરિયો અમારો માલમ માલમ, દરિયે જીવી મરશું!

સ્રોત

  • પુસ્તક : કાવ્યસંચય - 3 (પૃષ્ઠ ક્રમાંક 152)
  • સંપાદક : રમણલાલ જોશી, જયન્ત પાઠક
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981