marun bachpan khowayun - Geet | RekhtaGujarati

મારું બચપણ ખોવાયું

marun bachpan khowayun

મુકેશ જોશી મુકેશ જોશી
મારું બચપણ ખોવાયું
મુકેશ જોશી

પાંચીકા રમતી'તી, દોરડાંઓ કૂદતી'તી, ઝૂલતી'તી આંબાની ડાળે

ગામને પાદરિયે જાન એક આવી, ને મારું બચપણ ખોવાયું દા’ડે

મધમીઠા મહુડાના ઝાડ તળે બેસીને લખતી'તી દાદાને ચિઠ્ઠી

લખવાનું લખિતંગ બાકી હતું, ને મારે અંગે ચોળાઈ ગઈ પીઠી

આંગણામાં ઓકળીયું પાડતા બે હાથ લાલ થાપાઓ ભીંત ઉપર પાડે

મારું બચપણ ખોવાયું દા’ડે

પાનેતર પહેરીને પંખી ઉદાસ, છતાં મલકાતાં મામા ને કાકી

બાપુના હુક્કામાં તંબાકુ ભરવાનું, બાને કહેવાનું હતું બાકી

પાણીડાં ભરતી ગામની નદી, મારા બાપુનાં ચશ્માં પલાળે

મારું બચપણ ખોવાયું દા’ડે

ઢોલ અને શરણાઈ શેરીમાં વાગિયાં ને ગામ મને પરણાવી રાજી

લીલીછમ મ્હોરવાની આશામાં ઊગેલી કૂંપળ તોડાઈ એક તાજી

ગોરમાને પાંચ પાંચ વરસોથી પૂજ્યાં ને ગોરમા નાવને ડુબાડે

મારું બચપણ ખોવાયું દા’ડે

સ્રોત

  • પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 191)
  • સંપાદક : દીપક મહેતા
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
  • વર્ષ : 2008