kanyaane saasre valaavtaan kanyaavaalaane gaavaanun mata na virah nu geet - Geet | RekhtaGujarati

કન્યાને સાસરે વળવતાં કન્યાવાળાને ગાવાનું માતાના વિરહનું ગીત

kanyaane saasre valaavtaan kanyaavaalaane gaavaanun mata na virah nu geet

દલપતરામ દલપતરામ
કન્યાને સાસરે વળવતાં કન્યાવાળાને ગાવાનું માતાના વિરહનું ગીત
દલપતરામ

ચંપાંબાઈને સાસરે વળાવતાં; માતા કનકાવતી વદે વેણરે;

દીલડાહી દીકરી, પરણીને પિયરથી પધારિયાં;

દીકરી જુદાં પડ્યાનું જીવમાં લાવતાં;

મારાં નીરે ભરાઈ આવે છે નેણરે, દીલડાહી...

મારી છાતીથી કદી મેં છોડી નથી;

દીકરી ધાર્યું મેં તુજ વિષે ધ્યાનરે, દીલડાહી...

દીકરી કદિયે મેં તને તરછોડી નથી;

દીલમાં જાણી મેં દીકરા સમાનરે, દીલડાહી...

લાડે કોડે હું તુજને લડાવતી;

હું તો જાણતી તુજને જીવન પ્રાણરે, દીલડાહી...

નિરખી નિરખીને હૈડે હર્ખ લાવતી;

તેતો ચંદ્રને ચકોરી પ્રમાણરે, દીલડાહી...

મેં તો હાથે છાયા કરી હેતથી;

માગ્યું પાણી ત્યાં દીધું લાવી દુધરે, દીલડાહી...

મેં તો સંભાળી તુજને સચેતથી;

સદા રાખીને મનમાં ભાવ શુદ્ધરે, દીલડાહી...

દીકરી જ્યારે તું શેરીમાં રમવા જતી;

ત્યારે જો કાંઈ વિશેષ થતી વારરે, દીલડાહી...

તારૂં મુખ જોવા કાલી ઘેલી હું થતી;

હું તો જાણતી હૈયાતણો હારરે, દીલડાહી...

દીકરી તારો વિજોગ નહિ વીસરે;

તારા સદગુણ સાંભરશે સદાયરે, દીલડાહી...

દીકરી તુજ વિના દિવસો નહિ નીસરે;

જેમ વચ્છ વિછોઈ પડી ગાયરે, દીલડાહી...

દીકરી એકવાર નેહથી નિહાળ તું;

તારો ટળવળે સૈયરોનો સાથરે, દીલડાહી...

તારાં ભાઈ ભોજાઈ સામું ભાળ તું;

તેનાં હૈડાં તો રે'તાં નથી હાથરે, દીલડાહી...

દીકરી આંગણા માંહી તું ઉભી રહે;

નેહે એકવાર નિરખું તારૂં મુખરે, દીલડાહી...

એમ કહીને માએ કહ્યું, દલપત કહે;

દીકરી પામજો સંપૂરણ સુખરે. દીલડાહી...

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 155)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002