કન્યા વળાવતી વખતે વર તરફથી ગાવાનું ગીત
kanya valavati vakhate var tarafthi gava nu geet
દલપતરામ
Dalpatram
દલપતરામ
Dalpatram
કન્યા વળાવો રૂડી રીતરે, નવલા વેવાઈ;
ચિંતા ન ધરશો કાંઈ ચિતરે, નવલા વેવાઈ;
કન્યા રૂપી રૂડું રતન રે, નવલા વેવાઈ;
જીવ જોડી કરશું જતન રે, નવલા વેવાઈ.
પાણી માગે ત્યાં દેશું દૂધ રે, નવલા વેવાઈ,
સંભાળ કરશું ભાવ શુદ્ધ રે, નવલા વેવાઈ.
લાખેણાં લડાવીશું લાડ રે, નવલા વેવાઈ,
ગણશું તમારો પૂરો પાડ રે, નવલા વેવાઈ.
પ્રીતે ઉછેરી રૂડી પેર રે, નવલા વેવાઈ;
આપી કન્યા અમારે ઘેર રે, નવલા વેવાઈ.
કરશે ઉજવળ અમારૂં કુળ રે, નવલા વેવાઈ;
તરૂને શોભાવે જેમ ફૂલ રે, નવલા વેવાઈ.
ગોરી છે રૂડી ગુણવાન રે, નવલા વેવાઈ;
મળશે અમારે ઘેર માન રે, નવલા વેવાઈ;
સર્વ કળામાં છે સુજાણ રે, નવલા વેવાઈ;
વિધ વિધ પામશે વખાણ રે, નવલા વેવાઈ.
માયાળુ મનની છે વિશેષ રે નવલા વેવાઈ;
હળી મળી ચાલશે હમેશ રે, નવલા વેવાઈ;
જાણીશું જેવી જીવ જાન રે, નવલા વેવાઈ;
સાચવશું જેમ ફુલ પાન રે, નવલા વેવાઈ.
હેતથી કરીશું હાથે છાંય રે, નવલા વેવાઈ;
શંકા ન ધરશો મન માંય રે, નવલા વેવાઈ.
તમને વ્હાલી જેવી તેહ રે, નવલા વેવાઈ;
અમને પણ એવી વ્હાલી એહરે, નવલા વેવાઈ.
જેવો હૈયાનો હોય હારરે, નવલા વેવાઈ;
આંખો ઉપર જેવો પ્યાર રે, નવલા વેવાઈ.
પૂરણ ધરશું એવો પ્રેમ રે, નવલા વેવાઈ;
કોઈ દીન દુભાવીશું કેમ રે, નવલા વેવાઈ.
પરૂણાને મળો રૂડી પેર રે, નવલા વેવાઈ;
કન્યા વળાવી વળો ઘેર રે, નવલા વેવાઈ.
કરજો સદૈવ સારાં કામ રે, નવલા વેવાઈ;
દે દુવા દલપતરામ રે, નવલા વેવાઈ.
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 153)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
