kagDo bolyo! - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કાગડો બોલ્યો!

kagDo bolyo!

મનહર જાની મનહર જાની
કાગડો બોલ્યો!
મનહર જાની

ઘૂઘરિયાળી ઘમકી વેલ્યું ઘરની ઉપરવાસ કાગડો બોલ્યો.

વંડી પરથી ઊતરી આવ્યાં રણઝણતાં અજવાસ કાગડો બોલ્યો.

બારસાખની આંખે થરક્યાં પગલાં રાતાંચોળ કાગડો બોલ્યો.

બળબળતે વગડે વા વા’યા સૈયર ટાઢાબોળ કાગડો બોલ્યો.

હે...ય ઢોચકી ફૂટી, તાવડી હસી, પડ્યો ઓબાળ કાગડો બોલ્યો.

સાવ અચિંતી ફરકી ડાબી આંખ કે શુકનિયાળ કાગડો બોલ્યો.

આણાના રંગત ઢોલિયે ફૂટી ઝમરખ પાંખ કાગડો બોલ્યો.

ઝબકી ઊઠી રામણદીવડે વળી ગયેલી ઝાંખ કાગડો બોલ્યો.

છલ્લક છલ્લક શ્વાસ સોંસરો આષાઢી અવસાદ કાગડો બોલ્યો.

ભરઉનાળે મારામાં વરસાદ અરરર વરસાદ કાગડો બોલ્યો.

સ્રોત

  • પુસ્તક : સાંબેલું ચંદણ સાગનું (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સર્જક : મનહર જાની
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2001