aarat - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આંબલિયે લચી પડી શાખ

તોયે તે આણીકોર ફરુકી ના હાય હજી

પરદેશી સૂડા તારી પાંખ!

દીઠો કે લાગ ફોલી ખાવાને ક્યારનાં

ટાંપી બેઠેલ કંઈ કાગ,

પળનો યે કેમ રહે જીવને ત્યાં જંપ

મારે દા'ડી ને રેણના છે જાગ,

રાખી અબોટી હજી ઓર કોઈ ચૂંથે

પ્હેલાં તું આવીને ચાખ!

આંબલિયે લચી પડી સાખ...

રોકી રાખે રે તારા મોકળા ઉડાણ

એવી પ્રીત્યુંના નહીં વીંટુ દોર

જહીં જહીં જાય તહીં રહું તારી જોડ

ઈથી ઓરતો ના ઉરને કો'ઓર

અમરાઈ આવડી જો ઓછી પડે તો તારા

હર્યાંભર્યાં વંન મુંને દાખ!

આંબલિયે લચી પડી શાખ...

(૧૯પ૯)

સ્રોત

  • પુસ્તક : છોળ (પૃષ્ઠ ક્રમાંક 35)
  • સર્જક : પ્રદ્યુમ્ન તન્ના
  • પ્રકાશક : પ્રસાર, ભાવનગર
  • વર્ષ : 2000