jiwlanun jiwan (angenun tattwagyan) - Geet | RekhtaGujarati

જીવલાનું જીવન (અંગેનું તત્ત્વજ્ઞાન)

jiwlanun jiwan (angenun tattwagyan)

સૌમ્ય જોશી સૌમ્ય જોશી
જીવલાનું જીવન (અંગેનું તત્ત્વજ્ઞાન)
સૌમ્ય જોશી

પેટ હતું તો ઝબ્બે થઈ ગ્યું, રાત હતી તો પડી,

ઊંઘ હતી તો આવી ગઈ ને ફૂટપાથોની જડી.

હાથ હતા તો ભાર ઊંચક્યો, શ્વાસ હતા તો હાંફ્યા,

બીજે તો ક્યાં જઈને કાઢે દાઝ હતી તો દાઝ્યા.

લગન હતાં તો થયાં લગન, હતાં પોરિયાં આયાં,

પેટ હતું તો મળ્યું એમને હાથ હતા તો લાયા.

હોઠ હતા તો ગાળ હતી, કાન હતા તો લીઘી,

હતો રૂપિયો મળી યેવલા, આગ હતી તો પીધીય

લોહી હતું તો ગયું સુકાઈ, હતાં હાડકાં થાક્યાં,

ભીડ હતી તો ભેગી થઈ ગઈ, હતા ખભા તો આપ્યા.

વાળ હોય તો ટાલ થાય, ને કમર હોય તે વળે,

શ્વાસ હોય તો ખૂંટી જાય ને લખચોરાસી ફળે.

સ્રોત

  • પુસ્તક : ગ્રીનરૂમમાં (પૃષ્ઠ ક્રમાંક 26)
  • સર્જક : સૌમ્ય જોશી
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 2008