jhaD, khiskalio, paroDhiyun ane - Geet | RekhtaGujarati

ઝાડ, ખિસકાલીઓ, પરોઢિયું અને....

jhaD, khiskalio, paroDhiyun ane

જયન્ત પાઠક જયન્ત પાઠક
ઝાડ, ખિસકાલીઓ, પરોઢિયું અને....
જયન્ત પાઠક

ઝાડ પર ખિસકોલીઓ ખેલ્યા કરે, ખેલ્યા કરે

ઉપર-નીચે અંધારને ઠેલ્યા કરે, ઠેલ્યા કરે

એક તો તોફાની રાત ને વાયરો રમણે ચઢ્યો

ઠેઠ મૂળથી ટોચ લગીનો કેફ વગડાને ચડ્યો

નખશિખ નશામાં ઝાડ કૈં ડોલ્યા કરે, ડોલ્યા કરે

ખિસકોલીઓ બે હાથમાં તડકો લઈ ઠોલ્યા કરે, ઠોલ્યા કરે!

કેડીને બન્ને કિનારે ઘાસ છે ભીનું ભીનું

તડકાનું પોતું જાય લૂછતું છાંયડા ઊનું ઊનું

ખિસકોલીઓને પીઠ તડકાકૂંપળો ખીલ્યા કરે, ખીલ્યા કરે

પુચ્છ નિયમિત તાલમાં ખિલખિલ પુલક ઝીલ્યા કરે, ઝીલ્યા કરે!

આંખમાં શમણાં શુ ઊઘડે રાતમાંથી પરોઢિયું,

ગઈ કાલનું કાજળ મૂકી ધીમે બુઝાતું કોડિયું

ઝાડ ઉપર ખિસકોલીઓ, ખિસકોલીઓ ખેલ્યા કરે, ખેલ્યા કરે

ઉપર-નીચે ચઢ-ઊતરમાં અંધારને ઠેલ્યા કરે, ઠેલ્યા કરે!

સ્રોત

  • પુસ્તક : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી સાહિત્ય - કવિતા (પૃષ્ઠ ક્રમાંક 31)
  • સંપાદક : મફત ઓઝા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1984