jeens mahima - Geet | RekhtaGujarati

જીન્સ મહિમા

jeens mahima

ચંદ્રકાન્ત શાહ ચંદ્રકાન્ત શાહ
જીન્સ મહિમા
ચંદ્રકાન્ત શાહ

એમ રંગાયો છું હું ડેનિમ રંગમાં રે

અસ્ત્ર શસ્ત્ર છોડીને જીન્સનું વસ્ત્ર ધરી હું પડ્યો જીવનના જંગમાં રે

ભવસાગર કે whatever ને પાર ઉતરવા

હરિબરિ કોઈ ખપે નહિ બ્લુ જીન્સ હરિનું નામ

જીનમાં ખાવું જીનમાં પીવું જીનમાં રહેવું મસ્ત

અસ્ત પણ જીનમાં થાવું, જીનમાં જાવું અમરાપરને ધામ

હવે બ્લુ જીન્સ હરિનું નામ

પટમાં ખૂબ ધુણાવે મારા જીન્સ નઠારાં, આવે જ્યારે અંગમાં રે

અસ્ત્ર શસ્ત્ર છોડીને જીનનું વસ્ત્ર ધરી હું પડ્યો જીવનના જંગમાં રે

જપને નામે ફેઇડ થવું, તપ કરતાં ફાટી જાવું

જીન્સ મારા રામ બન્યા છે એવા, જેવા મીરાના ઘનશ્યામ

કામક્રોધ મોહમાયામમતા ઈર્ષાદ્વેષઅનીતિઇતિ તત્ત્વોથી પર જીન્સ

મારા અંગત શંકર, કાલી, દુર્ગા, ચંડી, સાંઈ, ગુરુ સતનામ

મારી મીરાના ઘનશ્યામ

મટી-રિયાલિટી છોડીને જવું નહિ કોઈ immaterial સંત સમાગમ સંગમાં રે

અસ્ત્ર શસ્ત્ર છોડીને જીનનું વસ્ત્ર ધરી હું પડ્યો જીવનના જંગમાં રે

ઉપરનાં ડેનિમ અને ભીતરનાં છે ઘઉંવર્ણા

ગુરુ અને ગોવિંદ સમા બે સામા ઊભા કોને લાગું પાય?

ઉપરના જિવાડે છે ભીતરના રોજ જગાડે

બલિહારી ભીતરની જેણે ઉપર સહુનાં શેઇડ, સ્ટાઇલ ને શેઇપ દિયા દિખાય

આમ જુઓ તો જલારામના જેવા પરચા, શક્તિ એવી જેવી છે બજરંગમાં રે

અસ્ત્ર શસ્ત્ર છોડીને જીનનું વસ્ત્ર ધરી હું પડ્યો જીવનના જંગમાં રે

એમ રંગાયો છું હું ડેનિમ રંગમાં રે!

સ્રોત

  • પુસ્તક : બ્લુ જીન્સ – બ્લૅક એન્ડ વ્હાઇટ પોએમ્સ (પૃષ્ઠ ક્રમાંક 20)
  • સર્જક : ચંદ્રકાન્ત શાહ
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન
  • વર્ષ : 2000