antim sachchai - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અંતિમ સચ્ચાઈ

antim sachchai

ચંદ્રકાન્ત શાહ ચંદ્રકાન્ત શાહ
અંતિમ સચ્ચાઈ
ચંદ્રકાન્ત શાહ

ક્યૂટ લિટલ પોએમ

સૂર્ય તેજથી એંબર છે અખિલાઈ

જીન્સ થકી જ્યમ ડેનિમ-બ્લુ મુગ્ધાઈ

બ્લુ જીન્સમાં ગિફ્ટ પૅક હો ફૂલગુલાબી બૉડી

સૂર્ય તેજથી તપે ઉઘાડી છાતી થોડી થોડી

છુટ્ટાં સ્તન પર જીન્સ એટલે લવંગ લતા લલિતાઈ

જીન્સ થકી જ્યમ ડેનિમ બ્લુ મુગ્ધાઈ

અંધકારના એક પેગમાં બે ટુકડા એકાંત

ત્વચા સ્હેજ ટકરાય અને ધણધણી ઊઠે નિરાંત

અંધકારમાં ઓગળવાની અધધધ ધધધ અધીરાઈ

જીન્સ થકી જ્યમ ડેનિમ બ્લૂ મુગ્ઘાઇ

અધરોષ્ઠના ગાઢ સ્પર્શથી ત્વચા થાય અનપૅક

કળા કરે અંધાર પછી સંભળાય ત્વચાની ગ્હેક

ચહેરા પરથી વરસે કેવી ધોધમાર લજ્જાઈ

જીન્સ થકી જ્યમ ડેનિમ બ્લુ મુગ્ધાઈ

બ્લુ જીન્સને સૌ મુગ્ધા પાંચ આંગળે પૂજે

વ્હેલેરા ઈર્રેઝિસ્ટિબલ સ્તન અમારાં દૂઝે

રક્તકણોમાં સાપ વસે છે અંતિમ સચ્ચાઈ

જીન્સ થકી જ્યમ ડેનિમ બ્લુ મુગ્ધાઈ

સ્રોત

  • પુસ્તક : બ્લુ જીન્સ – બ્લૅક એન્ડ વ્હાઇટ પોએમ્સ (પૃષ્ઠ ક્રમાંક 23)
  • સર્જક : ચંદ્રકાન્ત શાહ
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન
  • વર્ષ : 2000