દીકરી જન્મ્યાનું ગીત
dikri janmyanu geet
જતીન બારોટ
Jatin Barot
મારમાર ઉનાળે લ્હાય લ્હાય તાપમાં
જડતી રે પાણીની ઠીકરી.
દીકરી આવી છે મને દીકરી.
મેશનું કરું હું એને કાળું તે ટપકું ને,
બોખા મોઢે એ સ્હેજ હસતી.
કોઈ દી’ મેં દાદાને હસતા ના જોયા,
એ કરતા રે ગેલ અને મસ્તી.
મોટી થઈને મને રાખશે રે એમ
જેમ માળામાં બચ્ચાને સુગરી.
દીકરી આવી છે મને દીકરી.
દીકરાનો દલ્લો તો લાગ્યો ના હાથ કાંઈ,
એમ કહ્યું કડવી તે ફોઈએ.
એવી મિરાતની શું રે વિસાત
મારે બદલીમાં ઈશ્વર નહીં જોઈએ
એને રમાડુ હું રાત અને દી’,
નથી કરવી રે કોઈની’ય નોકરી.
દીકરી આવી છે મને દીકરી.
સ્રોત
- પુસ્તક : કવિતા : ઑક્ટોબર – નવેમ્બર ૨૦૦૧ (પૃષ્ઠ ક્રમાંક 108)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન