jagawun - Geet | RekhtaGujarati

“આપણામાંથી કો'ક તો જાગે” એમ બોલીને ગામના મરદ હેય ને લાંબા પગ કરીને, તકિયે ટેકા દઈને, હુકા ગડગડાવે.

“કો'ક તો જાગો, કો'ક તો જાગો, જુગ જુનેરી નીંદરા ત્યાગો” એમ બોલીને ગામની બાયું જાહલ ડેલા ખટખટાવે.

જાગવું ઝોલાં ખાય રે તમે જાગવું ઝોલાં ખાય

મર્યને મલક જાય ખાડામાં

મર્યને મૂડી જાય ભાડામાં

મર્યને જુવાન જાય ધાડામાં

બાપદાદાનાં સોનલાં ખેતર ભાગિયા વાવી ખાય ને ભલે રોઝડાં ખૂંદી ખાય, દાગીના ગીરને મૂકી ઘરના મોભી મૂછના પૂળા ચમચમાવે

જાગવું ઠેબાં ખાય રે તંયે જાગવું ઠેબાં ખાય

ચેતજો ખાલી નામ છે મોટાં

ચોફરતે ચળકાટ છે ખોટાં

થીર રહે ના ગોળિયા લોટા

કાંખમાં ઘાલી ઘોડિયામાં લઈ જાય, રૂપાળાં હાલાં-વાલાં ગાય ને પછી સપનાં હારે ઘેનની ગોળીએ પાઈને વાંહા થપથપાવે.

જાગવું પોઢી જાય રે તંયે જાગવું પોઢી જાય

નપાણિયો રોગ છે છાનો

ખૂબ જગાડ્યો મોટડો નાનો

તોય ચડ્યો ના વીરને પાનો

દુંટીયેથી હુંકાર કરીને, ફેણચડ્યો ફુત્કાર કરીને, ડણકું દેતો દોટ મૂકીને કોઈ આવ્યો સાત પાતાળી ધરતીને જે ખળભળાવે

જાગવું ખોટી થાય રે તંયે જાગવું ખોટી થાય

હાય હવે તો એક આરો

ઘૂમટામાંથી થાય હોંકારો

ગઢમાં છો ને થાય દેકારો

દાંતિયા મેલી, આભલાં મેલી, કાજળ-ચૂડી-ચાંદલા મેલી નમણી નાગરવેલ્ય યુગોથી રામ થયેલો પંડ્યનો દીવો ઝગમગાવે

જાગવું બેઠું થાય રે તંયે જાગવું બેઠું થાય

થઈ એકે પળ રે ખોટી

તેજ કર્યાં હથિયાર, હથોટી

એકલપંડે કોટિ કોટિ

ગામની બાયું રણશીંગાં લઈ, તીર પોઢેલા મગરમચ્છા, કૂઈ પોઢેલા દેડકબચ્ચાં સૌના બહેરા કાનના પડળ ધણધણાવે

જાગવું જાગી જાય રે તંયે જાગવું જાગી જાય

સ્રોત

  • પુસ્તક : નવનીત સમર્પણ - નવેમ્બર 2023 (પૃષ્ઠ ક્રમાંક 138)
  • સંપાદક : દીપક દોશી
  • પ્રકાશક : ભારતીય વિદ્યા ભવન ટ્રસ્ટ