amdawadi - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અમદાવાદી

amdawadi

અવિનાશ વ્યાસ અવિનાશ વ્યાસ

અમે અમદાવાદી, અમે અમદાવાદી!

જેનું પાણી લાવ્યું તાણી ભારતની આઝાદી.

અમે અમદાવાદી!

અમદાવાદના જીવનનો સૂણજો ઇતિહાસ ટચૂકડો :

જ્યાં પહેલાં બોલે મિલનું ભૂંગળું, પછી પુકારે કૂકડો,

સાઇકલ લઈને સૌ દોડે રળવા રોટીનો ટુકડો;

પણ મિલ મંદિરના ‘નગદેશ્વર’નો રસ્તો ક્યાં છે ઢૂંકડો?

મિલમજદૂરની મજદૂરી પર શહેર તણી આબાદી. અમે.

સમાજવાદી, કૉંગ્રેસવાદી, શાહીવાદી, મૂડીવાદી,

નહિ કમિટી, નહિ સમિતિ, કૉમ્યુનિસ્ટ કે જ્ઞાતિવાદી.

નહિ વાદની વાદવિવાદી, ‘એમ’ (M) વિટામિનવાદી. અમે.

ઊડે હવામાં ધોતિયું ને પ્હેરી ટોપી ખાદી,

ઊઠી સવારે ગરમ ફાફડા, ગરમ જલેબી ખાધી.

આમ જુઓ તો સુકલકડી ને સૂરત લાગે માંદી,

પણ મન ધારે તો ચીનાઓની ઉથલાવી દે ગાદી.

દાદાગીરી કરે બધે છોકરાં, પણ છોકરીઓ જ્યાં દાદી. અમે.

હોય ભલે ને સક્કરમી કે હોય ભલે અક્કરમી,

રાખે ના ગરમીની મોસમ કોઈની શરમાશરમી;

પણ ઠંડીમાં બંડીને ભરમે ના રહેવાનું ભરમી,

ચોમાસાનાં ચાર ટીપાંમાં ધરમ કરી લે ધરમી.

આવી તો છે બહુ કહેવાની, તો કહી નાખી એકાદી. અમે.

પોળની અંદર પોળ,

ગલીમાં ગલી,

ગલી પાછી જાય શેરીમાં ઢળી,

શેરી પાછી જાય પોળમાં વળી,

વળી પાછી ખડકીને અડકીને ખડકી ચલી.

મુંબઈની કોઈ મહિલા જાવા જમાલપુર નીકળી,

વાંકીચૂકી ગલીગલીમાં વળી વળીને ભલી

માણેકચોકથી નીકળી પાછી માણેકચોકમાં મળી.

અમે. અમદાવાદી.

સ્રોત

  • પુસ્તક : અવિનાશી અવિનાશ (પૃષ્ઠ ક્રમાંક 85)
  • સર્જક : અવિનાશ વ્યાસ
  • સંપાદક : અંકિત ત્રિવેદી
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2006