Hend Ali Hend - Geet | RekhtaGujarati

હેંડ અલી હેંડ મને લાગ્યો વાય ઘડી પરસાળે કોક બતાઈયે

કોઈ દિ’ નહીં આજ આવું શે થાય, ઓમ ઉઘાડે છોગ લજાઈએ.

પરવારી કામ જરી આડી પડી’તી, ઝૂંક લાગી ને શમણે ખોવાણી

આવી અળખામણી ક્યાંથી પડી કે મુને વાગી કો ઠેસ રે અજાણી

ઘેરો ગભરાટ વળે પરસેવો આજ, અલી લોહીનો ચેકઅપ કરાઈએ

કોઈ દિ’ નહીં આજ આવું શે થાય, ઓમ ઉઘાડે છોગ લજાઈએ.

ખેતરમાં જઈને મીં તો કીધું કૂવા ન, અલ્યા ભોંય ભેગી કર મુને ઢાળી

આંખની કટારી કોક મારી ગયું છ, તન ભડકે બળ્યું સૉડ વાળી

લીલું કુંજાર મારી આંખે ઊગ્યું છ, એને લાગણીનું નીર જરી પાઈએ

કોઈ દિ’ નહીં આજ આવું શે થાય, ઓમ ઉઘાડે છોગ લજાઈએ.

સ્રોત

  • પુસ્તક : મોરપીંછના સરનામે... (પૃષ્ઠ ક્રમાંક 34)
  • સર્જક : વર્ષા પ્રજાપતિ 'ઝરમર'
  • પ્રકાશક : ડિવાઈન પબ્લિકેશન, અમદાવાદ
  • વર્ષ : 2019