talvarni bhet - Geet | RekhtaGujarati

તલવારની ભેટ

talvarni bhet

ઝવેરચંદ મેઘાણી ઝવેરચંદ મેઘાણી
તલવારની ભેટ
ઝવેરચંદ મેઘાણી

હરિ સાંજે આવ્યા’તા મારે આંગણે રે,

હતી માળા તે ફૂલની એને ગળે રે;

મારાં મનડાં લોભાણાં ફૂલમાળમાં રે,

મારી માગી લેવાની હાલી હામ ના રે

હાલી હામ ના રે હરિ૦

હતી આશા, પરભાતે હરિ હાલશે રે,

માળા સેજલડી હેઠ પડેલી હશે રે;

વે’લી આવી ઊભી રહી ગરીબડી રે,

છતાં માગ્યાની જીભ નવ ઊપડી રે

નવ ઊપડી રે હરિ૦

પછી માળા જાણીને ઝાલવા ગઈ રે,

ત્યાં તો દેખી તલવારને ડરી ગઈ રે;

જરા અડકી ને હાથ સસડી ગયા રે,

ધણી! ધગધગતાં વજ્ર મૂકીને ગયા રે

મૂકીને ગયા રે હરિ૦

મને વનમાં વિહંગ બધાં ખીજવે રે,

‘અલી માળાઘેલુડી, લેતી જા હવે રે!’

હરિ! ક્યાં રે રાખું તમારાં દાનને રે?

હું તો શોધું સંતાડવાના સ્થાનને રે!

એવા સ્થાનને રે હરિ૦

હરિ! શક્તિવિહોણી હું લાજી મરું રે,

મારા ઉરમાં તલવાર તારી સંઘરું રે;

હરિ! હૈયામાં રાખતાં ચીરા પડે રે,

છતાં રાખ્યા વિણ દાન તારાં શે રડે રે!

વા’લા! શે રડે રે હરિ૦

હરિ! હૈયાને મ્યાન મૂકી તેગને રે,

હું તો ભે વિણ વીંધીશ ભવ-વાટને રે;

હરિ! આજૂથી મારે સકળ કારજે રે,

હજો તારા જેકાર! અભે રાખજે રે

અભે રાખજે રે! હરિ૦

હવે બીજા શણગાર કરવા નથી રે,

શ્યામ! નહિ રે આવો તો પરવા નથી રે;

હવે આંસુ સારંતી ઘર-બારણે રે,

નથી ભાટકવું ક્યાંય તમ કારણે રે

તમ કારણે રે હરિ૦

નાથ! તારી તલવાર લજવું નહિ રે,

દાન તારું દીધેલ તજવું નહિ રે;

હરિ! આપ્યું આયુધ, શુધ આપજો રે!

મારાં જોવાને જુદ્ધ જીવન આવજો રે!

સ્રોત

  • પુસ્તક : કુમાર : ત્રીજા દશકાના પૂર્વાર્ધનાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 7)
  • પ્રકાશક : કુમાર કાર્યાલય લિમિટેડ
  • વર્ષ : 1998