jhina jhina meh - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઝીણા ઝરમર વરસે મેહ,

ભીંજે મ્હારી ચૂંદડલી:

એવો નીતરે કૌમારનો નેહ,

ભીંજે મ્હારી ચૂંદડલી.

આજે ઝરે ને ઝમે ચંદ્રીની ચંદ્રિકા,

ભીંજે રસિક કોઇ બાલા રે;

ભીંજે સખી, ભીંજે શરદ અલબેલડી,

ભીંજે મ્હારા હૈયાની માળા:

હો! ભીંજે મ્હારી ચૂંદડલી.

વનમાં પપૈયો પેલો પિયુ પિયુ બોલે,

ટહુકે મયૂર કેરી વેણાં રે;

ટમટમ ટમટમ વાદળી ટમકે,

ટમકે મ્હારા નાથનાં નેણાં:

હો! ભીંજે મ્હારી ચૂંદડલી.

આનન્દકન્દ ડોલે સુંદરીનાં વૃન્દ ને

મીઠા મૃદંગ પડછન્દા રે:

મંદ મંદ હેરે મીટડી મયંકની

હેરો મ્હારા મધુરસચંદા!

હો! ભીંજે મ્હારી ચૂંદડલી.

સ્રોત

  • પુસ્તક : ન્હાનાલાલ-મધુકોષ (પૃષ્ઠ ક્રમાંક 24)
  • સંપાદક : અનંતરાય રાવળ
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2002