હૈયાફૂટી
Haiyafuti
પ્રભુદાસ પટેલ 'પ્ર'
Prabhudas Patel 'Pra'
પ્રભુદાસ પટેલ 'પ્ર'
Prabhudas Patel 'Pra'
હું તો સાગર ઉલેચવા ગઈ'તી સાહેલડી,
સાગર ગાગરમાં માયા નહિ;
સાગર ગાગરથી મોટા સાહેલડી,
હૈયાફૂટીએ મેં જાણ્યું નહિ.
હું તો આકાશે ઊડવા ગઈ'તી સાહેલડી,
પંખીની પાંખ મને ફૂટી નહિ;
માનવીને પાંખો ના ફૂટે સાહેલડી,
હૈયાફૂટીએ મેં જાણ્યું નહિ.
હું તો મોતીની દીપલીએ ગઈ'તી સાહેલડી,
મોતીની ચાર મને ભાવી નહિ;
મોતી ચરે રાજહંસો સાહેલડી,
હૈયાફૂટીએ મેં જાણ્યું નહિ.
હું તો ઝાકળને ઝીલવા ગઈ'તી સાહેલડી,
ઝીલ્યાં ઘણાં, એક આખું નહિ;
ઝાકળ ઝાંઝવાંનાં જેવાં સાહેલડી,
હૈયાફૂટીએ મે જાણ્યું નહિ.
હું તો મેઘધનુ ઝાલવા ગઈ'તી સાહેલડી,
એની કમાન હાથ આવી નહિ;
મેઘધનુ તેજની માયા સાહેલડી,
હૈયાફૂટીએ મેં જાણ્યું નહિ.
હું તો તીર્થોમાં તીરથ ગઈ'તી સાહેલડી,
તીર્થોમાં દેવ કોઈ જોયા નહિ;
ઈશ્વર વસ્યા છે મારા ઉરમાં સાહેલડી,
હૈયાફૂટીએ મેં જાણ્યું નહિ.
સ્રોત
- પુસ્તક : સાહિત્યરત્ન : ભાગ પહેલો (પૃષ્ઠ ક્રમાંક 98)
- સંપાદક : ઈશ્વરલાલ પ્રાણલાલ ખાનસાહેબ, નરહરિ ત્ર્યંબકલાલ
- પ્રકાશક : મેસર્સ કરસનદાસ નારણદાસ ઍન્ડ સન્સ
- વર્ષ : 1954
- આવૃત્તિ : 32
