રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઆઘે આઘે જળ જમનાનાં વ્હેણ જો.
એને કાંઠે ઓધવ, મારું ગામડું.
પાદર એનાં પ્રેમભર્યાં મલકાય જો,
બોલે ને ડોલે જ્યાં મનહર મોરલા
ગરવી ને ગુણવન્તી વ્રજની ગાવડી.
નમણી નેહભરી એ વ્રજની ગોપીઓ.
ગોવર્ધનની ઘેર ઘટુંબી ગાળીએ
ગોકુળની ગોવાળી અમને સાંભરી,
રમ્ય રૂપાળા જમનાજીના ઘાટ જો.
આકાશી અંબોડે ટમકે તારલા.
નીલાં ને નિત નિર્મળ ચમકે જ્યાં હજી
ગોપીનાં નયનો ને જળના વીરડા.
ઓધવ, કે’જો વળતાં વ્રજની વાત એ
જોયું ને જાણ્યું તે અમને સામટું.
એની એ છે વનરાવનની વાડીઓ?
એવા ને એવા ગોકુળના ગોંદરા ?
એની એ છે જળ જમનાની પાટ જો ?
એવી તે એવી જ કંદંબની છાંયડી ?
એવા ને એવા રઘવાયા નદ શું ?
એવી ને એવી જ અધીરી માવડી ?
ભોળાં ને ટળવળતાં જેને છોડિયાં
એવાં ને એવાં એ વ્રજનાં માનવી ?
લાડકડી ને લાખેણી લજવાળ જો,
મીઠા ને મનગમતા જેના બોલડા,
અલબેલી એ અણબોલી ઉર ઝૂરતી
અધરતણી અધિકારી મારી મોરલી ?
ઓધવ ! લૂયાં એનાં આંસુ શી રીતે ?
ઓધવ! કેજો વળતાં એ સહુ વાત જો.
સાંભળશું ને સ્મરશું વસમી એ ઘડી,
રથ મારો રણકારે દોડયો જાય જો,
ધૂળ ઊડે ને ઢાંકે ઢગ ગોકુળિયું.
તળાજા
તા. ૨૩-૧-૪૨
શ્રી કૃષ્ણ ગોકુળ છોડી મથુરા ગયા ત્યારે જતી વખતે મથુરા તરફ ધસ્યે જતા રથની ચડેલ ધૂળની ડમરી સોંસરવું પાછળ છેટે રહી જતા ગોકુળનું છેલ્લું દર્શન શ્રીકૃષ્ણે કર્યું તે વિદાયની વસમી ઘડીની સ્મૃતિ.
સ્રોત
- પુસ્તક : અંતરીક્ષ (પૃષ્ઠ ક્રમાંક 72)
- સર્જક : પ્રબોધરાય માણેકલાલ ભટ્ટ
- પ્રકાશક : ગુરુ ડિઝાઇન શૉપ
- વર્ષ : 2024
- આવૃત્તિ : (બીજી આવૃત્તિ)