radhana gussanun geet - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

રાધાના ગુસ્સાનું ગીત

radhana gussanun geet

ઘનશ્યામ ઠક્કર ઘનશ્યામ ઠક્કર
રાધાના ગુસ્સાનું ગીત
ઘનશ્યામ ઠક્કર

મળવાનું મન પહોંચ્યું જોજનવા દૂર તો ખેંચાતી જાઉં છું પછીતે

ગોકુળમાં ઓળખેલ શામ! તને દ્વારકામાં ઓળખી શકીશ કઈ રીતે?

ઝાંઝરશાં ગણઝણતાં ડોલતાં કદંબ

આજ ડોલે તો રણકે છે હીરા!

વનરા તે વંન મહીં કાંટળી બોરડીને

ભેટતાં પડતા’તા ચીરા?

કોને કહું સમણામાં તારા આરસના

ચોકમાંય ચાલતાં શું વીતે!

તારી સંગાથ ગ્રહ્યો ગોવર્ધન,

આજ તારા પીંછાનો ભાર તે ખમાય ના.

ધગધગતો હેમ-રસ વ્હેતો દેખાય

એવી જમુનાને કાંઠે રમાય ના.

છેવટ જો રણશીંગાં ફૂંકવાં હતાં તો

કેમ વીંધી તે વાંસળીનાં ગીતો?!

ગોકુળમાં ઓળખેલ શ્યામ તને દ્વારકામાં

ઓળખી શકીશ કઈ રીતે?

સ્રોત

  • પુસ્તક : ભૂરી શાહીના કૂવા કાંઠે (પૃષ્ઠ ક્રમાંક 36)
  • સર્જક : ઘનશ્યામ ઠક્કર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1987