madhaw kyanya nathi madhuwanman - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

માધવ ક્યાંય નથી મધુવનમાં

madhaw kyanya nathi madhuwanman

હરીન્દ્ર દવે હરીન્દ્ર દવે
માધવ ક્યાંય નથી મધુવનમાં
હરીન્દ્ર દવે

ફૂલ કહે ભમરાને, ભમરો વાત કહે ગુંજનમાં

માધવ ક્યાંય નથી મધુવનમાં.

કાલિંદીના જળ પર ઝૂકી

પૂછે કદંબડાળી

‘યાદ તને બેસી અહીં વેણુ

વાતા’તા વનમાળી?’

લહર વમળને કહે, વમળ વાત સ્મરે સ્પંદનમાં

માધવ ક્યાંય નથી મધુવનમાં.

કોઈ માગે દાણ

કોઈની આણ વાટે ફરતી,

હવે કોઈ લજ્જાથી હસતાં

રાવ કદી ક્યાં કરતી?

નંદ કહે જશુમતીને, માતા વ્હાલ ઝરે લોચનમાં

માધવ ક્યાંય નથી મધુવનમાં.

શિર પર ગોરસ મટુકી મારી

વાટ કેમે ખૂટી,

અબ લગ કંકર એક લાગ્યો

ગયાં ભાગ્ય મુજ ફૂટી,

કાજળ કહે આંખોને, આંખો વાત કહે અંસુવનમાં

માધવ ક્યાંય નથી મધુવનમાં.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 363)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004