ઘૂંઘટ નહીં ખોલું હું
ghunghat nahi kholu hu
ચીમનલાલ ભીખાલાલ જોશી 'મનસ્વી પ્રાંતિજવાલા'
Chimanlal Bhikhalal Joshi 'Manasvi Prantijwala'
ચીમનલાલ ભીખાલાલ જોશી 'મનસ્વી પ્રાંતિજવાલા'
Chimanlal Bhikhalal Joshi 'Manasvi Prantijwala'
સ્ત્રી –
ઝટ જાવો, ચંદનહાર લાવો ઘૂંઘટ નહીં ખોલું હું
મને લાગ્યો એ હારનો નૅડલો, તમથી નહીં બોલું હું.
પુરુષ –
મોંઘી તારી માંગણી અને મોંઘા તારા મૂલ,
મોંઘી તારી પ્રીતડી, મેં કરતાં જ કીધી ભૂલ રે, ઘૂંઘટ ઝટ ખોલોને...
સ્ત્રી –
મોહન મેં તો માંગીયો, મોંઘો ચંદનહાર
લાવો હાર પિયુ પછી તમે લૂંટો જોબનીયાની બહાર રે, ઘૂંઘટ પછી ખોલું હું.
પુરુષ –
રામે મૃગને મારીયો કનકકંચુકી કાજ,
હું મારું કોઈ સોનીને આ નથી નવાબી રાજ રે! ઘૂંઘટ ઝટ ખોલોને
સ્ત્રી –
અલગારા અલબેલડા કરગરતા શું કામ?
હાર ન લાવો ત્યાં સુધી તમે લેશો ના મારું નામ રે, ઘૂંઘટ નહીં ખોલું હું.
પુરુષ –
ચંદનહાર ચૌટે મળે જો હોય ખિસ્સામાં દામ,
સોની નાજાભાઈ તો આજે ગયા છે ભાવનગર ગામ રે, ઘૂંઘટ ઝટ ખોલોને.
સ્ત્રી –
તું મદ્રાસી મોરલો ને હું સોરઠની ઢેલ,
પરણ્યાં હોય તો પાળજે, નહીં તો પિયર વળાવી મેલ રે, ઘૂંઘટ નહીં ખોલું હું.
પુરુષ –
જૂનાગઢની સુંદરી ને પન્ના તારું નામ
આ ભાંગવાડી ભેગી થઈ તને જોવા આવ્યું મુંબઈ ગામ રે, ઘૂંઘટ ઝટ ખોલોને.
સ્ત્રી –
હાર ન જોઈએ હેમના, ના જોઈએ રેશમ ચીર
ચંદનહાર લાવી દિયો, મારી સગી નણદલના વીર રે, ઘૂંઘટ નહીં ખોલું હું... ઝટ જાઓ
સ્રોત
- પુસ્તક : મીઠા ઉજાગરા (પૃષ્ઠ ક્રમાંક 12)
- સંપાદક : વિનયકાંત દ્વિવેદી
- પ્રકાશક : વિનયકાંત દ્વિવેદી
- વર્ષ : 2001
