ghatna ewi - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઘટના એવી કંઈ અણઘટી

કેમે ના પરખાય એવડી ઊંડી ને અટપટી,

ઘટના એવી કંઈ અણઘટી.

કિયે વાયરે ઊઠી એમાં કોણે પૂર્યા રંગ,

સાન કશી ના મળે છતાં સૌ સાંભળનારાં દંગ.

ઘડીક ઊજળે અંગ, ઘડીમાં મેલી માથાવટી

ઘટના એવી કંઈ અણઘટી.

મૂળ જડે નહિ મનમાં, તનમાં ફેલાવે કંઈ તાપ,

ગયું કોઈ પ્રગટાવી કે પ્રગટી આપોઆપ?

માથું ખાળવા ત્યાં તો ભાળું જતી વેળને વટી

ઘટના એવી કંઈ અણઘટી.

અસમંજસના અણઘડ ઓટે અથરો અથરો બેસું;

પરોવાઈને વળતો પાછો, પાછો વળતો પેસું...

ખરેખરું કંઈ થયું ન’તું તો ગયું હવે શું મટી?

ઘટના એવી કંઈ અણઘટી.

સ્રોત

  • પુસ્તક : સાંપ્રત ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 158)
  • સંપાદક : રાજેન્દ્ર પટેલ
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2015