aavtaa re'jo - Geet | RekhtaGujarati

આવતા રે'જો!

aavtaa re'jo

નિરંજના દેસાઈ નિરંજના દેસાઈ
આવતા રે'જો!
નિરંજના દેસાઈ

કો'ક દિ' તમે

હળવે ડગે આવતા રે'જો—આવતા રે'જો!

ભર બપોરે

છાંયડો બનીને આવતા રે'જો—આવતા રે'જો

ઢળતી સાંજે તારલા વીણી,

શગતી રાખું આશ ઝીણી,

સમ તમારા

વાયરાનો હળું હાથ ધરીને

તમ તમારે આવતા રે'જો!

રાત વીંચી જાય ના મારી,

થાય રાતી આંખ મારી,

સમ તમારા

શમણાંની સોગાત લઈને

તમ તમારે આવતા રે'જો!

એકલું એવું હૈયું કોરે,

વ્હાલ વિનાનું વેગળું સોરે,

સમ તમારા

હેતનો મીઠો સાદ બનીને

તમ તમારે આવતા રે'જો!

ઘરની ભીંતે,

ઘટના ઘાટે,

મેઘધનુના રંગ ઢોળીને,

સમ અમારા

કૂમળો રૂડો તડકો બની

તમ તમારે આવતા રે'જો!

સ્રોત

  • પુસ્તક : ઝબૂકિયાં (પૃષ્ઠ ક્રમાંક 35)
  • સર્જક : નિરંજના દેસાઈ
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1979