geet shikharini - Geet | RekhtaGujarati

ગીત-શિખરિણી

geet shikharini

મનોહર ત્રિવેદી મનોહર ત્રિવેદી
ગીત-શિખરિણી
મનોહર ત્રિવેદી

ચરણ સરતા જાય મિતવા....

ઉઘાડું આંખો ત્યાં દિવસ ફરતા જાય મિતવા....

અને સામે કૅલેન્ડર ઉપરથી સૂર્ય ખરતો

સવારે તક્તામાં કુમકુમ મુખે શો છલકતો

હવામાં મીરાંનાં પદ ટપકતાં જાય મિતવા...

ચરણ સરતા જાય મિતવા...

વળાંકો છાયાઓ નભ પથ અને ઢાળ નમણાં

કરે ઊંચા બાહુ હરખવશ, ઘાસ-તરણાં

મને ભીની ભીની લહર ધરતાં જાય મિતવા....

ચરણ સરતા જાય મિતવા...

પ્રવેશું ઝાંપામાં અઢળક અહો, વ્હાલ વરસે

ભર્યાં એકાન્તોમાં મખમલ સમી દૃષ્ટિ પરસે

દિનાન્તે ગોખોના દીપ પ્રગટતા જાય મિતવા...

ચરણ સરતા જાય મિતવા....

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 407)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004