geet mane koi goti aapo - Geet | RekhtaGujarati

ગીત મને કોઈ ગોતી આપો

geet mane koi goti aapo

યશવંત ત્રિવેદી યશવંત ત્રિવેદી
ગીત મને કોઈ ગોતી આપો
યશવંત ત્રિવેદી

મારી દંતકથાનો ચાંદ મને કોઈ લાવી આપો.

કોઈ રાધાનાં લોચન-શા દરિયાઓ

દરિયાઓની પાર ઝૂલતી સાંજના કોઈ વાંસવનો

વાંસવનોના કો'ક મોરના મોરપીછમાં

પૂરવ જનમ થૈ ઊડી ગયેલું ગોકુળ મારું ગોતી આપો.

મારી દંતકથાનો ચાંદ મને કોઈ લાવી આપો.

મારો ચઈતર તો અંધ, મને શીદ ફૂલોભરી તડકાની ડાળી બતલાવો?

મારા ગોકુલની ઋતુ ઋતુ, અંધ શહેરમાં નિયૉનના પરદાઓમાં

શીદ લટકાવો?

કોઈ કન્હાઈની આંખોમાં તરતાં આકાશો

આકાશોને કહો કે ઊતરે હળુ હળુ કોઈ બોરસલીની ડાળે

બોરસલીની ડાળ હવે તો વસંતનું ઝુમ્મર થૈ ઝૂલે

ઝુમ્મર નીચે રીસે ઊભી રાધાને ફૂટ્યું ગીત મને કોઈ લાવી આપો.

મારી દંતકથાનો ચાંદ મને કોઇ લાવી આપો.

સમયના તૂટી ગયેલા દર્પણમાં લો આજ મને કોઈ પૂરવજનમથી

સાંધી આપો.

દરપણના કોક શહેરના અવશેષોથી કન્હાઈ-રાધા આજ મને કોઈ

લાવી આપો.

મારી દંતકથાનો ચાંદ મને કોઈ લાવી આપો.

સ્રોત

  • પુસ્તક : બૃહદ ગુજરાતી કાવ્યપરિચય - 1 (પૃષ્ઠ ક્રમાંક 168)
  • સંપાદક : મોહનભાઈ પટેલ, ચન્દ્રકાન્ત શેઠ
  • પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ
  • વર્ષ : 1973